શ્રી દત્તાત્રેય પ્રાગટય રહસ્ય

વિવિધ પુરાણોમાં “દત્ત પ્રાગટ્ય રહસ્ય”ની સુંદર કથા છે.પૃથ્વીલોક (મૃત્યુલોક)ની “માતૃ શક્તિનો મહિમા” વધારવા માટે દેવર્ષિ નારદ બ્રહ્મલોકમાં બ્રહ્માણી પાસે જઈ વંદન કરી “માતા અનસૂયાના સતીત્વ”નો મહિમા રજુ કરતા બોલ્યા કે , “પૃથ્વીલોકમાં મહાસતી અનસૂયા માતાની શિષ્યા શાંડિલીના પતિ કૌશિકને માંડવ્ય ઋષિએ શ્રાપ આપેલ કે – સૂર્યોદય થતાં તેનું મરણ થશે પણ સતી શાંડિલીએ સૂર્યને સતત સાત દિવસ સુધી ઊગવા ન દીધો. છેવટે દેવોની વિનંતિને લીધે અનસૂયા માતાએ શિષ્યા શાંડિલીને ‘સૂર્ય મુક્ત’નો આદેશ કર્યો તેથી સૂર્યદેવની ગતિ થઈ. કૌશિકનું મૃત્યુ થયું તેથી અનસૂયા માતાએ તેને જીવિત કર્યો – નવું જીવન પ્રદાન કર્યું. આમ, સમગ્ર પૃથ્વીમાં અનસૂયા માતાનો જય જયકાર બોલાય છે.” આ વાત તેમણે વિષ્ણુલોકમાં લક્ષ્મીજીને અને કૈલાશમાં માતા પાર્વતીને જણાવતાં મહાસતી અનસૂયાના ભરપૂર વખાણ કર્યા.

જીજ્ઞાસાવશ ત્રણેય દેવીઓએ પોતાના પતિ બ્રહ્મા- વિષ્ણુ- મહેશને આગ્રહ કર્યો કે – આપ માતા અનસૂયાની કસોટી માટે પૃથ્વીલોકમાં જાવ. નારદ એટલે જેની કોઈ દલીલ રદ ન થાય. સૃષ્ટિ સંચાલનમાં નારદજીની હંમેશા મહત્વની ભૂમિકા હોય છે. ત્રણેય દેવો મહર્ષિ અત્રિ અને મહાસતી અનસૂયાના આશ્રમે સંન્યાસી રૂપમાં આવે છે અને અનસૂયા માતાને કહે છે કે, “આપ દિગંબર બનીને ભિક્ષા આપો તો અમે સ્વીકારીએ.”

ઈ.સ.૧૯૯૯માં હું જ્યારે લંડન ગયેલો ત્યારે કોઈ વિદેશીએ પ્રશ્ન પૂછ્યો કે – હિંદુ ધર્મના મહાન દેવતા સતી નારી પાસે આવી અયોગ્ય માંગણી શા માટે કરી ? મેં જણાવ્યું કે – શાસ્ત્રોમાં સમાધિ ભાષા હોય છે. બ્રહ્મા- વિષ્ણુ – મહેશ ત્રણેય દેવો જાણતા હતા કે અનસૂયા માતા બ્રહ્મવાદિની છે, વ્યાપક સ્વરૂપ ધારણ કરી શકે છે, તેની ખાત્રી માટે “દિગંબર” બનીને દીક્ષા આપો તેવી માંગણી કરી. અમરકોશ મુજબ दिक् एवं अंबर इति दिगंबर । દિગંબર એટલે દિશાઓ જેનું વસ્ત્ર છે તે.અનસૂયા માતાએ આ અવસ્થા પ્રાપ્ત કરવા માટે પતિદેવનું સ્મરણ કરી હાથમાં જળની અંજલી લઈ ત્રણે દેવો પર છાંટી જેથી પોતે વિરાટ સ્વરૂપ બની ગયા અને ત્રણેય દેવોને ત્યાં પહોંચવા માટે હિરણયગર્ભમાં લઈ ગયા અર્થાત્ ત્રણે દેવો સત્વ – રજસ – તમસ એ ત્રણ ગુણથી પર થઈ ગયા અને સમત્વની સ્થિતિમાં આવી ગયા. અનસૂયામાતાએ પોતાના પંચમહાભૂતનું શરીરનું વિલિનીકરણ કરી ત્રણ ગુણોથી પર થઈ ગયા અને દેવતાઓમાં નાના બાળક જેવી નિર્દોષતા આવી ગઈ. આ રીતે તેમને સ્તનપાન કરાવીને ભિક્ષા આપે છે.

થોડા સમય બાદ દેવર્ષિ નારદ પતિ વિયોગમાં વ્યાકુળ અને ચિંતાતુર ત્રણેય દેવીઓ પાસે જઈને પૂછે છે કે” તમારા પતિદેવ ક્યાં છે?” ત્યારે ત્રણેય દેવીઓ કહે છે કે “અમે સમગ્ર બ્રહ્માંડ ફરી વળ્યા પણ ક્યાંય દેખાતા નથી.” ત્યારે નારદજી જણાવે છે કે “માતા અનસૂયાએ તેમને પોતાની યોગશક્તિથી મૂળ સ્વરૂપમાં – સૂક્ષ્માતિસૂક્ષ્મમાં મૂકી દીધા છે તેથી કોઈ જોઈ શકતાં નથી.” આ સાંભળી ત્રણે દેવીઓ ભયભીત થઈ માતા અનસૂયાના આશ્રમે આવી માફી માંગે છે અને પોતાના પતિ પરત આપો તેવી પ્રાર્થના કરે છે. અનસૂયા માતાના સતીત્વના પ્રભાવથી – સંકલ્પ શક્તિથી ત્રણે દેવો બંધન મુક્ત થાય છે અને પ્રગટ થાય છે. ત્રણે દેવો પોતાના અંશમાંથી ચંદ્રમાં – દત્તાત્રેય – દુર્વાસા રૂપે પ્રગટ થાય છે. આપેલા હોવાથી દત્તાત્રેય (દત્ત + આત્રેય) તરીકે પ્રખ્યાત છે.

ll હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ll
પ.પૂ.પુનીતાચારીજી મહારાજ (ગિરનાર)

    Recent Posts